અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કચ્છના 25 વર્ષીય મુસ્લિમ યુવકને બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો. તેના હૃદયનું ઇન્દોરના 52 વર્ષીય બેંક કર્મચારી શૈલેન્દ્રસિંગમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. રૂઢિચુસ્ત માન્યતાને કારણે મુસ્લિમ સમાજમાં અંગદાન કરવા તૈયાર થતા નથી, પરંતુ સિવિલની કાઉન્સેલિંગ ટીમના પ્રયાસથી યુવકના પરિવારનું હૃદય પરિવર્તન કરાતાં અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય લઈ મુસ્લિમ પરિવાર દ્વારા અંગદાન કરાયું હોવાનો અમદાવાદમાં પ્રથમ તથા રાજ્યનો બીજો કિસ્સો બન્યો છે.
મુખ્યત્વે મુસ્લિમ સમાજમાં રૂઢિચુસ્ત માન્યતાને લીધે અંગદાન કરાતું નથી, પરંતુ હોસ્પિટલ કમીટી ની કાઉન્સેલિંગ ટીમે અંગદાન વિશે સમજાવવા યુવકના પિતાનું 2 કલાક સુધી કાઉન્સેલિંગ કર્યું હતું, તયાર બાદ તેઓ પુત્રનાં અંગોનું દાન કરવા તૈયાર થયાં હતાં. તેમણે હૃદયની સાથે કિડની તથા લીવરનું દાન કરવા પણ સંમતિ આપી હતી, પણ મેડિકલ કારણોસર લીવર અને કિડની લઈ શકાયાં નથી.
