સાહિર લુધિયાનવી કહ્યું છે કે
તોપ મગરીબ મેં ચલે યા મશરીબ મેં, કોખ તો ધરતી કી બાંજ હોતી હૈ
બમ ખેતો પે ગીરે ગિરજાઘર પે, જખ્મી ઇન્સાનિયત હોતી હૈ
ઈસલીયે એ શરીફ ઇન્સાનો, જંગ ટલતી રહે તો બહેતર હૈ
આપકે ઔર હમ સભી કે આંગન મેં, શમ્મા જલતી રહે તો બહેતર હે
કહેવાય છે કે યુદ્ધની કથા સાંભળવામાં જ મજા છે… ખરેખરું યુદ્ધ તો દારુણ, વિકૃત અને ક્યારેય ન ભરી શકાય એવા ઘાવ આપી જતું હોય છે. યુદ્ધની વેદી પર કેટલાય નવલોહિયા હોમાય જતા હોય છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધની વિભીષિકાઓમાં આપણે જોયું કે જે મરી ગયા એ નસીબદાર હતા પણ જે જીવતા રહી ગયા, તેણે મહિનાઓ સુધી નરકની યાતનામાં રીબાવું પડ્યું. યુરોપના મોરચે કાતિલ ઠંડી, પીવાનું પાણી થીજી જાય, ખાવા માટે મળે નહીં, પરિવારજનો વિખૂટા પડી ગયા હોય આવી સ્થિતીમાં જીવતા રહેવું એ પણ એક શ્રાપ છે… છતાં પણ ઘણા લોકો જીવતા રહ્યા અને વર્ષો પછી નોર્મલ લાઇફમાં આવ્યા.
હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં પણ જીવી જનારા અને ભાગી જનાર લોકોના દાખલા છે અને એવા લોકોએ પાછળથી પુસ્તકો પણ લખ્યાં છે જે વાંચીએ ત્યારે લાગે કે જિંદગી કેટલી કઠોર હોઈ શકે અને એની તુલનામાં તો આપણી લાઈફ કેટલી સરળ છે. અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે જે મહાવિનાશક જંગ ચાલી રહ્યો છે તેમાં રોજ યુદ્ધની ભયાનકતા નવા નવા ચેપ્ટર બહાર આવી રહ્યા છે. જે વિસ્તારોમાંથી રશિયન સેના પીછેહઠ કરી ગઈ ત્યાં માથામાં ગોળી મારીને હત્યા કરાયેલા નિર્દોષ નાગરિકોના શબો મળ્યા છે. હત્યાકાંડ છુપાવવા સામૂહિક કબરો મળી આવી છે, ક્યાંક બળાત્કારો થયાની વાત આવી છે તો ક્યાંક ભારે ટોર્ચર કરીને સામાન્ય નાગરિકોને મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્યા હોય એવી માહિતી બહાર આવી છે. અમે આપને અગાઉ સમાચારોમાં જણાવ્યુ હતું કે રશિયન સિપાહીઓના સંભવિત દુષ્કર્મોથી બચવા યુક્રેનિયન સ્ત્રીઓ માથું મુંડાવી નાખતી હોવાના અહેવાલો પશ્ચિમી મીડિયામાં પ્રકાશિત થયેલા.
જ્યારે શિસ્તબદ્ધ સૈન્ય લડતું હોય ત્યારે દુશ્મનના વિસ્તારમાં જઇને રેડ ક્રોસ પર હુમલા ન કરવા, હોસ્પિટલ- શાળાઓ પર તોડફોડના કરવી, સ્ત્રીઓ બાળકો કે સામાન્ય નાગરિકોને ઈજા પહોંચાડવી નહિ એવી સૂચનાઓ તેમને આપવામાં આવેલ હોય છે જેનું મહદઅંશે પાલન થતું હોય છે.
યુધ્ધમાં રશિયન સૈનિકોની ખુવારી ઘટાડવા પુતિને ચેતન લડવૈયાઓને યુક્રેનમાં ઉતાર્યા છે. આ ચેચેન લડવૈયાઓ મૂળ ચેચન્યા દેશના છે જે રશિયાને કબજામાં છે. તેઓ મુસ્લિમ છે. થોડા વર્ષો પહેલાં સુધી તેઓ રશિયા સામે લડતા હતા અને મોસ્કો સુધી આતંકવાદ ફેલાવતા હતા. ત્યાર બાદ પુતિને ક્રૂર કાર્યવાહી કરી, હજારો ચેનનોને મારી નાખ્યા અને તેમની સ્વાતંત્રની લડત ઉપર પાણી ફેરવી દીધું. અત્યારે રમજાન કાદિરોવના નેતૃત્વમાં ચેચેન લડવૈયાઓ યુક્રેનમાં લડી રહ્યા છે. સ્વાભાવિક છે કે તેઓ એક લશ્કર જેટલા ટ્રેઇન્ડ અને સંવેદનશીલ ન હોય. હત્યા કરવી એમનો શોખ છે. આ એક પ્રકારની આતંકવાદીઓ જ છે કે જેમને યુક્રેનમાં લોકો અને યુક્રેની સૈનિકોની હત્યા માટે ઉતારવામાં આવ્યા છે. અત્યારે ભલે પાવરના જોરે તેઓ કંઈ પણ કરે પરંતુ જ્યારે સમયનું ચક્ર ફરશે ત્યારે આ બધા વોર ક્રેઈમ્સ માટે તેમને કડક સજા થઈ શકે છે, બિલકુલ એવી જ રીતે કે જેવી રીતે બીજા વિશ્વયુદ્ધમાં નાઝીઓના પરાજય પછી જે નાઝી કમાન્ડરો અને નેતાઓ પકડાયા તેમની ઉપર ન્યુરેમ્બર્ગ ટ્રાયલ ચલાવવામાં આવેલી અને એક- બે અપવાદ સિવાય લગભગ બધાને ફાંસીએ ચડાવેલા. જે બચેલા કે ભાગી ગયેલા, દુનિયાભરમાં છુપાઈ ગયેલા એમને ઈઝરાઈલે આગવી રીતે સબક શીખવાડ્યો. એમની ફાઈલ તૈયાર કરીને પોતાના ખૂંખાર જાસૂસોને ઇઝરાયેલ છૂટા મૂકી દીધેલા, દરેક જાસૂસી ટીમને અમર્યાદિત ભંડોળ આપવામાં આવેલું, તેમનો એક જ ટાર્ગેટ હતો બચેલા નાઝીઓને પકડો અને કોઈ પણ હિસાબે ઈઝરાઈલ લાવો કે જેથી તેની વિરુદ્ધ ખટલો ચલાવી શકાય અને દુનિયાને ઉદાહરણ મળે. જો લાવી શકાય એમ ન હોય તો સ્થળ પર જ ઠાર કરો. કેટલાય નાઝીઓને આપણે જોયું કે સાઉથ અમેરિકાના દેશોમાંથી પકડવામાં આવ્યા અથવા એમના ઘરે જઈને કતલ કરી નાખવામાં આવ્યા, યુક્રેન યુધ્ધના ગુનેગારો સામે કાળનો પંજો કેવો ન્યાય કરશે એ તો ભવિષ્ય રહેશે.
