એમ કહેવાય છે કે કવિ શ્રી અમૃત ઘાયલે નીચેની ગઝલ રાજકોટમાં વડાપ્રધાન શ્રી જવાહર લાલ નહેરુને રૂબરૂમાં સંભળાવી તેથી ત્યારે તે બેઠકમાં સોપો પડી ગયો હતો. આજે પણ આ વાત એટલી જ પ્રસ્તુત છે. .નહેરૂ થી મોદી સુધી આપણે સફર કરી પણ સામાન્ય માનવી ની સ્થિતી એની એ જ રહી…. આપણી આજની સૌથી મોટી વિટંબણા એ છે કે આપણે આપણો માનવીય મિજાજ જ ખોઈ બેઠા છીએ. ચારેબાજુથી માનવી ને ઘેરી લેવામાં આવ્યો છે. માણસ માત્ર મશીન બની ગયો છે જેને નેતાઓ પોતપોતાના વાડામાં પૂરીને પોતાનો ઉલ્લુ સીધો કરી રહ્યા છે !! સુખ નાં બે ચાર શ્વાસ માટે માનવી વલખાં મારી રહ્યો છે ત્યારે તેનાં ખંભે હાથ રાખી કોઈ તેની પડખે ઊભા રહેવા તૈયાર નથી.. વિકાસ નાં નામે આપણે સમૂળગો વિનાશ નોતરી બેઠા છીએ અને તેની આપણને જ ખબર નથી.. જે ઝાડ પર બેઠા છીએ તેને જ જાતી અને ધર્મ નાં કુહાડા થી વેતરી રહયા છીએ !!!
મેલું ઘેલું મકાન તો આપો !
ઘૂળ જેવુંય ધાન તો આપો.
સાવ જૂઠું શું કામ બોલો છો,
કોક સાચી જબાન તો આપો.
થોડો ઝાઝો હિસાબ તો આપો !
ખોટો સાચો જવાબ તો આપો !
બાગમાં ભાગ છે અમારો પણ,
એક વાસી ગુલાબ તો આપો.
સુખના બેચાર શ્વાસ તો આપો !
જિંદગાની ભાસ તો આપો !
મુક્ત વાતાવરણના સ્વામીઓ,
કૈં હવા કૈં ઉજાસ તો આપો !
મુક્તિનું એને સાજ તો આપો !
આદમીનો અવાજ તો આપો !
માઈના પૂત માનવીને પ્રથમ,
માનવીનો મિજાજ તો આપો !
__ અમૃત ઘાયલ
