ગુજરાતના તમામ માતા પિતાઓને એક પ્રેમાળ પત્ર
પૂજ્ય મમ્મી,પાપા,
મોબાઈલમાં લાગણીઓ વ્યક્ત નથી થતી માટે પત્ર લખી રહ્યો છું. આજે તમને પત્ર લખવાના આમ તો ઘણા બધાં કારણ છે અને આમજુઓ તો કોઈ કારણ નથી. સમય બદલાયો છે પણ સમય સાથે માબાપ થોડા બદલે? હા, તમાંરી આજુબાજુનું વાતાવરણ અને વ્યવસ્થા જરૂર બદલી છે. માં ટીપીકલ સાડીમાંથી તું ડ્રેસ પહેરવા લાગી છો તેનો આનંદ છે.
ક્યાંક જીન્સમાં પણ આજની આધુનિક મમ્મીઓને સ્કુટી પર બંબાટ જાતા જોઉં ત્યારે થાય કે નક્કી આ મમ્મી તેના સંતાનને લેવા કે મૂકવા જતી હશે. કોઈ ગેસ પર કુકર મૂકીને નીકળ્યું હશે, કોઈ તેના વૃદ્ધ સ્વજનની વ્યવસ્થા સાચવવા ભાગમ ભાગ કરતી હશે. મા હંમેશા બીજાને માટે દોડે છે. પરિવારને જોડે છે. સ્વસુખને છોડે છે, તો’ય કેટલાક નગુણા સંતાનો માતાને વખોડે છે. ડ્રેસકોડ ચેંજ થયા છે પરંતુ માની ચિંતા તો એવી ને એવી જ રહી.
બાપ નું ચિત્ર નાનપણથી જ દરેક બાળકના મગજમાં ખોટું આંકવા માં આવે છે
કોઈપણ બાળક લેશન ન કરે, વ્યવસ્થિત જમે નહીં, કે તોફાન કરે તો માં એકજ વાક્ય કહે. આવવા દે તારા પપ્પા ને !!! બસ બાળકને બાપ ના નામ થી નાનપણ થીજ ડરાવવા માં આવે છે એટલે પપ્પાનું મહત્વ જ ઓછું રહે છે
ખરેખર તો બાપ આખો દિવસ કાળી મજૂરી કરીને ઘર નું ગુજરાન ચલાવે છે
ઘરેથી તો બસ દરેક ની માંગણી ઓજ હોય છે પણ એ માંગણીઓ પુરી કેમ કરવી એ કામ બાપ કરે છે એ આજે સમજાય છે
આ પત્ર દ્વારા ગુજરાતના તમામ માતા પિતાઓને મારે ખાસ એક બે વાત કરવી છે. ઘર અને પરિવારનું ધ્યાન રાખવામાં તમારું પોતાનું ધ્યાન રાખવાનું ચૂકી ન જતા પ્લીઝ!
તમે તમારી તંદુરસ્તી માટે સભાન નહી રહો તો એ જ ગૃહના કોઈ ખૂણામાં કણસવુ પડશે. તમારા સંતાનોની બધી લક્ષ્મી તમને સાજા કરવામાં વપરાશે. મહેરબાની કરીને જેટલા વરસ તમને થયા હોય, એટલી મિનિટ તમે તમારા સ્વાસ્થ્ય માટે કાઢજો.પણ કયો પિતા આ બાબતે વિચારે છે તે તો બસ પરિવાર સાચવવા અને બાળકોને ભણાવવાની જ ચિતા કરતો હોય છે
દરેક પિતા એવું ઈચ્છે છે કે મારું બાળક જીવનમાં મારા કરતાં આગળ વધે જીવન માં પિતા જે નથી કરી શક્યા કે નથી મેળવી શક્યા તે તમામ વસ્તુઓ તેના બાળકને મળે બસ આજ ચિંતા અને મુશ્કેલીઓ વચ્ચે તેમની યુવાની ક્યારે તેમના હાથમાંથી નીકળી જાય છે તે પણ તેઓ નથી જાણતા અને પરિવાર અને બાળકો ને ખબર ન પડે તેમ ગાલ લાલ રાખીને પણ હસતા હસતા પોતાનું જીવન ગબડાવે છે
પિતાજી તમે પરિવારજનોને ગરમાગરમ જમાડી ગરવામાં રાખેલી બપોરની રોટલી ન ખાતા. નોકરી એ સમય પર પહોંચવા માટે તમારું જમવાનું સ્કીપ ન કરતા. જવાબદારીઓની બાણશૈયા વચ્ચે જીવવાનું ભૂલી ન જાતા
મમ્મી! તારી હાથે બનાવેલી દાળ લાજવાબ જ હોય છે. પણ ઘરના પાત્રો ઘણી બધી વાર જમતી વખતે વાતું કરવામાં દાળના વખાણ જ ભૂલી ગયા છીએ. પણ અમે એ દાળનો સ્વાદ બિરદાવવાનું પણ ભૂલ્યા છીએ, ક્ષમા! સ્વાદિષ્ટ દાળ તારા માટે જ વધતી નહોતી અને તું કદી અમને જાણ પણ થવા દેતી નહોતી.
જાજાભાગે તું સૌને જમાડીને છેલ્લે જમતી. તને આગ્રહ કરીને જમાડે એવું ઘરમાં કોઈ નહોતું. કદાચ તારી કુંડળીમાં આ-ગ્રહ નહી હોય. તેસહેલા રસોડાના તાપ સામે અમે સહેલો તડકો ક્ષુલ્લક છે. અમારા બાળોતીયાથી બ્લેઝર સુધીની યાત્રાની તુ સાક્ષી છો.
પરિવારના દરેક સવાલનો તમાંરી પાસે જવાબ હોવા છતાં તમે મૌન રહી સહન કર્યું તેથી જ પરિવાર તૂટતા બચી ગયો. જો કે તેના માટે તમાંરૂ કોઈએ વિશેષ સન્માન ના કર્યું. અને તમેં પણ ક્યાં કોઈ શિલ્ડ કે શાલના મોહતાજ છો !
સાચું કહું તો માતા પિતાના ત્યાગ અને મમતાને સન્માની શકે એવું શિલ્ડ આ જગતમાં હજી સુધી બન્યું જ નથી. સૌની રાહ જોઈ જોઈરહ્યા છે તમે સ્વયં પ્રતીક્ષાસ્વરૂપ થઈ ગયા. બસ એ પ્રતીક્ષા અને પ્રત્યેકની ચિંતા કરવાનો તમાંરો પ્રેમાળ સ્વભાવ આગળ જતા તમને પાર્કિન્સન પ્લસના ઘાતકી સ્ટેજ પર ન લઈ જાય એ જોજો! સંતાનો માટે કરેલા ઉજાગરા તમને માઈગ્રેન ન લાવી દે માટે ચેતજો! તમાંરી લાગણી હાઈ બી.પી.ની નાગણી થઈને તમને જ ડંશ ન આપે એ માટે સભાન રહેજો!
તમામને સારું જીવન આપવામાં પપા તમે તમારું જીવન ખર્ચી નાખ્યું છે. કામકાજના કરોળિયાના જાળામાં ગૂંથાયેલ હે જનેતા! તમે થોડું થોડું તમાંરા માટે જીવતા જજો! ગાતા રહેજો અને અરીસાની સામે છાની મુના તૈયાર થઈને ક્યારેક જોતા રહેજો.
પરિવાર ઉપર મુશ્કેલીનું આભ તૂટતું, ત્યારે પિતાજી માં સુપરમેન જેવો પાવર ક્યાંથી આવી જતો?
તકલીફો વચ્ચે ફૂલ જેવી કોમળ માતા, વિધાતાની સામે જંગ છેડી દે! અહો આશ્ચર્યમ!
માં. તારા જીવનના પહેલા પચ્ચીસ વરસ તું તારા પપ્પાથી ડરીને જીવી, પછીના પચ્ચીસ વરસ મારા પપ્પાથી અને છેલ્લા પચ્ચીસ તારા પૌત્રના પપ્પાથી ડરી રહી છો! ડર તારી અંદર નથી પેઠો. તું ડરની અંદર ઓગળી ગઈ છો. બસ એ ડરના કૂવામાંથી તારી જાતને બહાર કાઢ. માં બાપ તમેં અદ્દભુત છો! ભલે અમારા અસ્તિત્વનું કારણ તમેં છો. પણ તમારું પણ એક અસ્તિત્વ છે હો!
તમેં તેને પણ પ્રાયોરિટીમાં ક્યારેક મુકજો!
મમ્મી! આ હું તને લખું છું પરંતુ હું એ પણ જાણું છું કે તું કાંઈ સોફ્ટવેર નથી કે અપડેટ થઇને ફરી રિસ્ટાર્ટ થઈ શકે. કારણ તું સ્વયં સોફ્ટ છો. સૌની ખુશી તારા થકી છે પણ તારી ખુશી? તું વિચાર જે! મા જેના માટે તે તારી આખી જાત બદલાવી તેને તારા માટે સ્વભાવ શુધ્ધા નથી બદલાવ્યો. ખેર! તને પાછો એ વાતનો અફસોસ પણ નથી.
પિતા સંતાનો જેવો મોંઘોદાટ ફોન ભલે ન ખરીદે પણ એના ફોનમાંથી એકાદ બે ફોન તમાંરા જૂના કે નાનપણ ના મિત્રોને વીડિયો કોલ તો કરજો
પપા તમે 3310 ફોનમાં પણ ખુશ છો. કારણ કે તમાંરે સંતાનોને ફોન કરવાના હોય છે. તમાંરી અંદર ચિંતાની એવી ફિલ્લમ નોનસ્ટોપ ચાલતી હોવાથી તમને બોલિવૂડ આકર્ષતું નથી. હજુ નાનો દીકરો જમવાનો બાકી છે; અને મોટો કેમ આજે ઓછું જમ્યો? અથવા તો કાલે દીકરીની બેનપણીઓ માટે શું બનાવશે? બસ સતત આવી જ ચર્ચા અને ચિંતન તમાંરી પ્રકૃતિ બની ગઈ છે. પરિણામે ટી.વી.ની એકપણ સીરીયલ તમને સોફા પર સ્થિર નથી કરી શકતી.
દીકરાનો ભાવ પણ તમેં જોયો અને વહુ આવતા બદલાતો સ્વભાવ પણ...!
માતા પિતા તમને આ ઘરમાં કોઈ ન ઓળખી શકે. સિવાય એક તમાંરું ઓશીકું. તમાંરા બેડરૂમનું એ ઓશીકું જ જાણે છે કે તમે કોના માટે, ક્યા મુદ્દા પર કેટલીવાર રડયા છો?
સાચું કહું તો આ પત્ર લખવાની પ્રેરણા પણ તમાંરા ઓશિકાને સ્પર્શ્યા પછી જ મને મળી છે.
હું આજના સંતાનોને પણ કહું છું કે તમારા ઘરમાં હાલતા-ચાલતા અને બોલતા માતા પિતા હોય તો તેની સાથે થોડો સમય વિતાવજો. તેમની પાસે હવે જાજો સમય નહી હોય! તેમનું ઓશીકું મારે મન તીર્થસ્થાન છે. મા બાપ ફોટો બની જાય એ પહેલાં તેને ફાંટુ ભરીને વહાલ આપજો. એકાદી મુવી મમ્મી સાથે જોજો. મમ્મી-પપ્પાને સમ દઈને નવા કપડાં પહેરાવી, નવા ફોન સાથે તેમના બર્થ ડે ઉજવજો. તેની સાથે જુના ગીતોની અંતાક્ષરી રમજો અને તેમાં તેમને જીતવા દેજો. તેમના બાળપણના પ્રસંગો એની મોઢે સાંભળજો.
‘ક્યાં પહોંચ્યો બેટા? તેં જમી લીધું?’ આવા એકના એક સવાલ જ્યારે પણ પૂછે ત્યારે સ્હેજ પણ પિત્તો ગુમાવ્યા વગર તેને સંતોષકારક જવાબ આપજો.
કારણકે માબાપ તિથિ અને ચોઘડિયા જોઈને મૌન નથી થાતા. તેમના કવરેજમાં રહેશો તો પરમાત્માના નેટવર્કને અનુભવી શકશો. તેઓ કદી કોઈ દીવસના મહોતાજ નથી
કારણકે માને યાદ કરો એ પ્રત્યેક દિન ‘મધર્સ ડે’ છે.અને પિતા ને યાદ કરો તે પ્રત્યેક દિવસ ફાધર્સ ડે છેલી.
એક મૌન થયેલ માબાપના દીકરા વતી જગતના તમામ માતા પિતાઓને
