શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાના બહાને છેતરપિંડી કરનાર ગઠિયાને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ગાઝિયાબાદથી પકડયો છે. હીરાલાલ દાસ નામનો આ ગઠિયો ધો.9 સુધી ભણેલો છે. એક વખત લોનની જરૂર હોવાથી તે બેન્કમાં ગયો પરંતુ બેન્કે લોન ના આપી. પછી તેણે લોન કેવી રીતે મેળવાય તે સમજી લઈ ગોરખધંધા શરૂ કર્યા હતા.
આરોપી બેરોજગારોને નોકરીની લાલચ આપી તેમની પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ઓરિજિનલ દસ્તાવેજ મગાવતો. તે પછી આ દસ્તાવેજો પર લોન મંજૂર કરાવતો હતો, મૂળ દસ્તાવેજ આપનારને જાણ થતી ન હતી કે, તેમના નામે બેન્કમાં ખાતું ખૂલી ગયું છે. એકવાર લોનની રકમ દસ્તાવેજ આપનારાના ખાતામાં જમા થાય પછી તે પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લેતો.
