ગુજરાત એસટી નિગમની એક્સપ્રેસ બસોમાં વધુને વધુ લોકો ઓનલાઈન બુકિંગ કરાવે તે માટે 10% ડિસ્કાઉન્ટ આપે છે. ઓનલાઈન બુકિંગના સોફ્ટવેરમાં ખામીને કારણે પ્રીમિયમ સર્વિસની વોલ્વો તથા એસી બસોમાં ઘણીવાર કેટલીક સીટ પર બબ્બે લોકોનું બુકિંગ થઈ જતાં પેસેન્જરો વચ્ચે વિવાદ થાય છે. તેવી જ એક ઘટના રાજકોટ-અમદાવાદની વોલ્વો બસમાં થઈ હતી, જેમાં 3 સીટ પર બે-બે જણાંના બુકિંગમાં વિવાદ થતાં પોલીસ બોલાવવી પડી હતી.
એસટીની વોલ્વોની રાજકોટ-અમદાવાદ બસમાં ઓનલાઈન બુકિંગમાં 33, 39 તથા 40 નંબરની સીટ પર બે-બે જણાંને નામે એડવાન્સ બુકિંગ થયું હતું. બસ ઉપડવાના સમયે ત્રણેય સીટ પર બેસવા માટે પેસેન્જરો વચ્ચે ભારે વિવાદ થયો હતો. એસટી કર્મીઓએ તેમને સમજાવવાની કોશિશ કરી હતી. પેસેન્જરો વચ્ચે વિવાદ વધતા છેવટે પોલીસ બોલાવી ત્રણ સીટ પર બુકિંગ કરાવનાર 6 જણાંને બસમાંથી ઉતારી દીધા હતા.