સમાજ સેવક, આદર્શ શિક્ષક, પરીવર્તનના પ્રણેતા સ્વ. ચીમનભાઇ હીરાલાલભાઇ પટેલની પુણ્ય સ્મૃતિમાં
તેમના પુત્ર શ્રી નિમેષભાઈ ચીમનલાલ પટેલ દ્વારા તા. ૫-૧0-૨0૨૫ના રોજ સોજા ગામમાં સવારે ૯-00 કલાકે
મહાકાલી માતાજીની પૂજા રાખેલ છે તથા સોજા ગામમાં બાળકોને ગિફ્ટ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે.
ઉપરાંત ફલુ ગામમાં ભજનનો કાર્યક્મ રાખેલ છે. ફલુ મુકામે ભોજન પ્રસાદ ૧૧-૩0 કલાકે રાખેલ છે તેમજ
ભજન મંડળને પણ ગિફ્ટ વિતરણ કરવામાં આવનાર છે. આ તમામ કાર્યક્રમોમાં સર્વેને ભાવભીનું આમંત્રણ
પાઠવવામાં આવ્યું છે. સ્વ. ચીમનભાઈ પટેલના પ્રેરણાદાયી જીવનના પ્રસંગોનું આલેખન કરતું પુસ્તક ‘શિક્ષણનો સૂર્યોદય’ ટૂંક સમયમાં
પ્રકાશિત થવા જઇ રહ્યું છે જેનું લેખન, સંપાદન સરસ્વતીચંદ્ર આચાર્ય કરી રહ્યા છે.
વધુ વિગતો આપતાં લેખક, પત્રકાર સરસ્વતીચંદ્ર આચાર્યે જણાવ્યું કે શ્રી ચીમનભાઇ વિષે પુસ્તક લખવું એ મારું સદ્ભાગ્ય છે. જેમ જેમ તેમના વિષે જાણતો ગયો તેમ તેમનું વ્યક્તિચિત્ર મારા માનસપટ પર કંડારાતું ગયું. તેમના વિષે સંશોધન કરતો ગયો, તેમની સાથે જોડાયેલા લોકોની મુલાકાતો લીધી તેમ તેમ મને લાગતુ ગયું કે તેઓ એક મહામાનવ હતા. આ પુસ્તક વાંચ્યા વિના કદાચ આપને ખ્યાલ પણ નહીં આવે કે આવી મહાન વ્યક્તિ આજના જમાનામાં આપણી વચ્ચે જીવતી હતી. ઉચ્ચ આદર્શોની વાતો કરવી સરળ છે પરંતુ એ મુજબ જીવન જીવવું મુશ્કેલ છે પણ ચીમનભાઇએ તે જીવી જાણ્યું. આ જ સમાજની વચ્ચે રહીને તેમણે નીર-ક્ષીર ભેદ જાળવ્યો અને મોહ માયાના બંધનોમાં ફસાયા વગર જળકમળવત્ રહ્યા. એમનું જીવન એમનો સંદેશ બની રહ્યું.
ગાંધીજીના વિચારો આજના જમાનામાં કેટલા પ્રાસંગિક છે તેવી ચર્ચા આજકાલ થતી હયો છે ત્યારે પોતાની સર્વોદય પ્રવૃત્તિઓ દ્વારા ચીમનભાઇએ સમજાવ્યું કે ગાંધી આદર્શો હમેશા પ્રસ્તુત છે.
તેમના સત્કાર્યોના પરિપાકરૂપે અનેક સ્ત્રીઓ, પુરુષો ભણી ગણીને પોતાની કારકિર્દી બનાવી દુનિયામાં સ્વનિર્ભર બન્યાં છે અને સન્માનપૂર્વક જિંદગી જીવી રહ્યા છે.
કહેવાય છે ને કે કોઇ વ્યકિતને એક દિવસ માટે મદદ કરવી હોય તો તેને ભોજન આપો, થોડા દિવસ માટે મદદ કરવી હોય તો પૈસા આપો પણ તેના આખા પરીવારને આજીવન ઉપયોગી થવું હોય તો શિક્ષણ આપો… અને ચીમનભાઇએ એ કરી બતાવ્યું. હજારો બાળકોમાં શિક્ષણનું બીજ રોપ્યાં જે આજે વટવૃક્ષ બનીને પાંગર્યાં છે. ચીમનભાઇનું યોગદાન તો અનેક ક્ષેત્રોમાં છે પરંતુ શિક્ષણ ક્ષેત્રે તેમણે કરેલી સેવા સર્વોત્તમ છે અને તેથી જ આ પુસ્તકનું નામ શિક્ષણનો સૂર્યોદય રાખ્યુ છે. ક્યારેય નાત, જાત કે સંપ્રદાયના વાડામાં ન બંધાનાર ચીમનભાઇના નામ પાછળ પટેલ અટક વાચકોને માહિતી મળે તે હેતુથી જ લખી છે બાકી અન્ય જ્ઞાતિના પાણી પણ વ્યક્તિની નાત જાત પૂછીને લોકો પીતા હતા એ જમાનામાં વિદ્યાર્થીઓના નામ પાછળથી અટકનું બંધન ફગાવી તેમને બેદભાવથી મુક્ત કરી તેમણે સૌ માનવને સમાન ગણેલા.
કન્યા શિક્ષણને પણ એટવું જ મહત્વ આપ્યું.
આપણે ભલે કોઇ પણ વિચારધારામાં માનતા હોઇએ પરંતુ ચીમનભાઇના સેવાકાર્યોની મહેક માણ્યા પછી તેમને નતમસ્તક થયા વિના નહીં રહી શકાય.
આપણે કોઇ પણ ક્ષેત્રે કામ કરતાં હોઇએ પરંતુ આપણી વ્યાવસાયિક પ્રવૃત્તિ ઉપરાંત લોકોને માટે કંઇક કરી છૂટીએ એ જ સાચી શ્રધ્ધાંજલિ ગણાશે.

