ઓએસિસ સંસ્થાની કુ. તાન્યા ખત્રીએ ગુજરાતી સાહિત્ય જગતમાં ઇતિહાસ સર્જ્યો :
ગુજરાતી ભાષાની સૌથી નાની વયની અનુવાદિકા બની
ઓએસિસ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘તોલ્સતોયની જીવનકથાઓ’માં લિયો તોલ્સતોયની ૩૭ વાર્તાઓનો અનુવાદ છે. આ અનુવાદ ઓએસિસની ટ્રસ્ટી અને માત્ર ૨૦ વર્ષની યુવતી કુ. તાન્યા ખત્રીએ કર્યો છે. આ પુસ્તકનું વિમોચન તા-૧૭મીના રોજ અમદાવાદ શહેરની શ્રી લક્ષ્મી વિદ્યામંદિર શાળાના પ્રાંગણમાં ૭૫ પુસ્તકોના લેખક અને પ્રખર કેળવણીકાર ડૉ. મફતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કુ. તાન્યાનું સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ડૉ. મફતભાઈએ કહ્યું કે, “તોલ્સતોયના પુસ્તકનો અનુવાદ કરવો ઘણો કઠિન છે. આ સામાન્ય માણસનું કામ જ નથી. આ પુસ્તકમાં તાન્યાની પરિપક્વતા દેખાય છે. તાન્યાની ભાષા તો સમૃદ્ધ છે, પણ વિચારો બહુ ઉત્તમ છે. તાન્યા દીકરીએ આટલી નાની ઉંમરે આ કામ કર્યું તે માટે તેને અભિનંદન આપું છું.”
‘તોલ્સતોયની જીવનકથાઓ’ પુસ્તકના વિમોચન સાથે ગુજરાતી ભાષાના બીજા અનેક પ્રસિદ્ધ લેખકોના આ પુસ્તક અંગેના અભિપ્રાયોની પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું. આ અભિપ્રાયો કુ. તાન્યાના પુસ્તકની અદ્ભુતતાનો ખ્યાલ આપે છે.
લેખિકા તરુ મેઘાણી કજારિયા પોતાના લેખમાં નોંધ લખી કે, “૩૭૬ પાનાંનું આટલું દળદાર પુસ્તક આટલી નાની વયની અનુવાદક્ના નામે હોવાની આ ઘટના કદાચ ગુજરાતી પ્રકાશન ક્ષેત્રે પ્રથમ હોઈ શકે!”
પદ્મશ્રી ડૉ. વિષ્ણુ પંડ્યા લખે છે, “આ પુસ્તકમાં ભાવાનુવાદની સફળતા દેખાઈ આવે છે.”
તો, લેખક અને જાણીતા વ્યંગકાર શ્રી ઉર્વીશ કોઠારીએ લખ્યું છે, “હું વાંચતો ગયો… વાંચતો ગયો… એક ઘાએ વાર્તા પૂરી થઈ ગઈ. ક્યાંય ગાંઠો નહીં, ક્યાંય કાંકરા નહીં, તોલ્સતોયની કથાઓને છાજે એવી સરળતા, અસ્ખલિત પ્રવાહ… અનુવાદ ઉત્તમ થયો છે.”
શ્રી રજનીકુમાર પંડ્યાએ પણ કહ્યું કે, “અસલ ભાષામાંથી ગુજરાતી અનુવાદ એવી આવડતથી બલકે કુશળતાથી થયો છે કે એમાં વાર્તારસને હાનિ પહોંચાડ્યા વગર એમાં સંગોપિત જીવનદર્શન પણ બરાબર ઉજાગર થતું રહે છે.”
શ્રી ડંકેશ ઓઝા લખે છે કે, “તોલ્સતોયનું જીવનદર્શન ભલે બે સદી પૂર્વેનું હોય છતાં આજે તરોતાજા લાગે છે. જીવનમૂલ્યો કદી વાસી થતાં હોતાં નથી. તાન્યાની નજર એ અર્થમાં પણ મૂલ્યવર્ધક સાહિત્ય તરફ ગઈ છે તે નાનીસૂની વાત નથી.”
શ્રી હરેશ ધોળકિયાએ માત્ર ભાષા-કૌશલ્ય જ નહીં, ચારિત્ર્યની શક્તિ પર ભાર મૂકતાં લખ્યું કે “આવડું મોટું પુસ્તક અનુવાદ કરવાની હિંમત કેળવવી વિશિષ્ટ હિંમત માગે છે. તે તાન્યામાં હતી અને તેને સાકાર પણ કરી.”
જીવનચરિત્રકાર શ્રી બીરેન કોઠારીએ બહુ મોટી વાત કહી, “આ પુસ્તકમાંની વાર્તાઓ વાંચતાં એમ જ લાગે કે જાણે તોલ્સતોયે એ ગુજરાતીમાં લખી હશે. મને ખ્યાલ છે કે આ અતિશયોક્તિ છે, પણ જે પ્રવાહી શૈલીએ તેનો અનુવાદ કરવામાં આવ્યો છે એ વાંચતાં આમ અનુભવાય અવશ્ય છે.” પુસ્તિકામાં બીજા અનેક વ્યક્તિઓના પ્રતિભાવ સમાયેલા છે.
આ પ્રસંગે કુ. તાન્યાના માતા-પિતા અને કુટુંબીજનો પણ હાજર હતા. કુ. તાન્યાના પિતાએ કહ્યું કે “તાન્યામાં લેખન-પ્રતિભા નાનપણથી હતી, પરંતુ, તાન્યાની આ સ્તરની સિદ્ધિનો સઘળો શ્રેય ઓએસિસને જાય છે.” તાન્યાની શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમિતાભભાઈએ પણ સંદેશો પાઠવ્યો કે તેમની શાળાને તાન્યા માટે ગૌરવ છે.
કુ. તાન્યાએ આ પોતાના વક્તવ્યમાં અનુવાદ કરતી વખતે તેમને જે પડકારો આવ્યા તેનો કેવી રીતે સામનો કર્યો તે જણાવ્યું હતું. રોજેરોજનું લક્ષ્ય નક્કી કર્યા બાદ તેને પૂરું કરવા ક્યારેક એવું પણ બનતું કે ભીડથી ભરેલી ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે પણ તેમણે એકાગ્ર થઈ અનુવાદનું કામ કરવાનું આવ્યું હતું. કોઈ પણ સફળતા અથાગ પુરુષાર્થ માંગે છે – તેમના આવા અનુભવો સહુ વિદ્યાર્થીઓએ મંત્રમુગ્ધ થઈને સાંભળ્યા હતા.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો, કેટલીક શાળાઓના આચાર્યો અને શુભેચ્છકો હાજર રહ્યા હતા. સહુએ તાન્યાની સિદ્ધિને વધાવી હતી. મોબાઈલ, સોશિયલ મીડિયાના નશામાં આજની પેઢીનો મોટો ભાગ ડૂબેલો છે, ત્યારે એક ૨૦ વર્ષની યુવતી ૩૭૬ પાનાંના એક દળદાર ગ્રંથનું સર્જન કરે છે. આ ઘટના લાખો કિશોર-કિશોરીઓ માટે અત્યંત પ્રેરણારૂપ છે તેવો સૂર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમનું હૃદયસ્પર્શી સંચાલન શ્રીમતિ પરિશાબેને કર્યું હતું.